ગણેશ પાટ બેસાડીએ,
ભલા નીપજે પકવાન,
સગા-સંબંધી તેડીએ,
જો પૂજયા હોય મોરાર
જેને તે આંગણ પીપળો
તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ,
જો પૂજયા હોય મોરાર,
ગણેશ પાટ બેસાડીએ…
જેને તે આંગણ ગાવડી,
તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે દોહવા દે,
જો પૂજયા હો મોરાર.
જેને તે આંગણ કુંવરી,
તેનો તે ધન્ય અવતાર
શીખ્યું સંઘયરું સાચવે,
જો પૂજયા હોય મોરાર.
ગણેશ પાટ બેસાડીએ…
જેને તે પેટે ચાર દિકરા,
તેનો તે ધન્ય અવતાર
ચારે વહુવારૂ પાયે પડે,
જો પૂજયા હોય મોરાર,
કાંઠા તે ઘઉંની રોટલી,
માંહે કળકળીયો કંસાર
ભેગાં બેસી ભોજન કરે,
જો પૂજયા હોય મોરાર.
ગણેશ પાટ બેસાડીએ…
સોના તે કેરો મારો ઝાંપલો,
ને રત્ન જડેલા કમાડ
સાંજ સવારે ઉઘાડીએ,
જો પૂજયા હોય મોરાર.
ગણેશ પાટ બેસાડીએ,
ભલા નીપજે પકવાન,
સગા-સંબંધી તેડીએ,
જો પૂજયા હોય મોરાર
ગણેશ પાટ બેસાડીએ…