01 હે કરુણાના કરનારા


હે કરુણાના કરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.
હે સંકટના હરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી…

મારાં પાપ ભર્યા છે એવાં,
કે તારી ભૂલ્યો કરવી સેવા.
એ ભૂલોના ભૂલનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી…

હે પરમ કૃપાળુ વહાલા,
મેં પીધા વિષના પ્યાલા.
વિષને અમૃત કરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી…

હું અંતરમાં થઈ રાજી,
ખેલ્યો હું અવળી બાજી.
અવળી સવળી કરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી…

મને જડતો નથી કિનારો,
મારો ક્યાંથી આવે આરો.
મારા સાચા ખેવનહારા,
તારી કરુણાનો કોઈ પાર નથી…

ભલે છોરું કછોરું થાયે,
તું તો માવતર કહેવાય.
મીઠી છાયા દેનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી…

છે ભક્તનું દિલ ઉદાસી,
તારા ચરણે લે અવિનાશી.
રાધાના દિલ હરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી…


Leave a Reply

Your email address will not be published.