02 રામદેવની કંકોત્રી


રામદેવ કંકોત્રી હવે મોકલે જી રે
દેજો મારી બેનલબા ને હાથ રે હો જી
રામદેવ કંકોત્રી હવે મોકલે જી રે
દેજો મારી સગુણા ને હાથ રે હો જી

રામના સંદેશા રાયકે લીધા હો જી રે
કંકોત્રી લીધી હાથો હાથ રે હો જી
રતને સાંઢણી શણગારી હો જી રે
ડોકે બાંધી ઘુઘર માળા રે હો જી

સુતા રે સગુણા બાઈ હવે મોલમાં જી રે
સપના આયા આધી રાતના હો જી
સાસુ રે જેઠાણી નંદલ વિનવું જી રે
રતનો તેડવા ને આવીયા હો જી

આવા રે સપના વહુ જી આવે હો જી રે
સપના સાચા ના હોય રે હો જી
વીતે રે વરસો રે વીત્યા વાણા હો જી રે
કોઈ ના આયુ તમને તેડવા હો જી

હું રે પુછુ રે મારી બેનડી જી રે
તમે કિયા રે પાધરની પાણીયારી
અરે પીંગલગઢ નગર કેરા નામ હો જી રે
રાજ કરે પઢીયાર પ્રતાપજી હો જી

કંકોત્રી દીધી સગુણાના હાથમાં જી રે
હૈયે હરખ ના માય રે હે જી
રતનો પુરાણા સંકટ જેલમાં જી રે
કરે રામાપીર ને પોકાર રે હો જી

રામદેવ સુતા રંગ મોલમાં જી રે
સપના આવ્યા રે મધરાતના હો જી
અરે માતા રે મીનલ દેવ ને વિનવું જી રે
જાવું મારે રે રતના…

ભલો રે બૂરો રે ભલો હવે કાજ હો જી રે
ભલી હવે રણુજાની તલવાર હો જી
માફ કરો રણુજા ના રાજવી જી રે
માફ કરો રામાપીર રે હો જી

મારી સાસુ રે જેઠાણી નંદલ વિનવું જી રે
જાવું મારે વીરા ના વિવાહ હે હો જી
અરે જોયા જોયા રણુજા ના રાજવી જી રે
તંબુરા ભગત કહેવાય રે હો જી

સાસરિયે પરણે નાનો દેર હો જી રે
પિયરિયે પરણે રામદેવ ભાઈ રે હો જી
ભર્યા રે જાશો ને ઠાલા વરશો હો જી રે
તમે ઠરશો નહિ રે ઠકરાઈ હો જી…

આવી સાંઢણી મેલું રે બેની ઝૂલતી જી રે
આવી રણુંજાના મારગે હો જી જી જી
હરિયાળા વનમાં કોયલ બોલે હો જી રે
સંકટ સાચેરા થાય રે હો જી

અરે દિલ્હીના ચોરે હોરા બાંધ્યા હો જી રે
બેની રે લૂંટાણા જંગલની માય રે હો જી
માતા રે મીનલ દેવ ને વિનવું જી રે
જાવું મારે બેનલબાની વારે રે હો જી

અરે કરતાલ વગાડી રામદેવ ઉભા હો જી રે
હસતા દીધો બેનને માથે રે હાથ
વંદન વંદન રામાપીર ને જી રે
કરી એ પીર તારી સેવા હો જી

હરિ ચરણે હરજી ભાટી બોલ્યા હો જી રે
ધણી ને ધાર્યો નેજાધારી રે હો જી જી જી.


Leave a Reply

Your email address will not be published.