03 રામદે પીરનો હેલો


હે રણુજાના રાજા, અજમલજીના બેટા
વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હેઈ… હેલો મારો સાંભળો, રણુજાના રાય
હુકમ કરો તો પીર, જાત્રાયું થાય
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે વાણિયોને વાણિયણે ભલી રાખી ટેક
પુત્ર ઝૂલે પારણે તો જાત્રા કરશું એક
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે વાણિયો ને વાણિયણ જાત્રાએ જાય
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે ઊંચી ઊંચી ઝાડિયું ને વસમી છે વાટ
બે હતા વાણિયા ને ત્રીજો થયો સાથ
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે ઢોર
મારી નાખ્યો વાણિયોને માલ લઈ ગયા ચોર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

ઊભી ઊભી અબળા કરે રે પોકાર
સોગટે રમતા પીરને કાને ગયો સાદ
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે લીલુડો છે ઘોડલોને હાથમાં છે તીર
વાણિયાની વહારે ચઢ્યા રામદે પીર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હેલો મારો સાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયું થાય
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે ઊઠ ઊઠ અબળા ગઢમાં તું જો
ત્રણે ભુવનમાંથી શોધી લાવું ચોર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે ભાગ ભાગ ચોરટા તું કેટલેક જઈશ
વાણિયાનો માલ તું કેટલા દહાડા ખઈશ
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે રણુજાના રાજા, અજમલજીના બેટા
વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી


Leave a Reply

Your email address will not be published.