નાથજીને નિરખી મારાં, લોચન લોભાણાં,
વાલાજીની મૂર્તિમાં, મનડાં પ્રોવાણા
નાથજીને નિરખી મારાં
ઊભા રે અલબેલો વહાલો, આવીને આંગણિયે,
મુગટ જડિયો રે એનો, મોતીને મણિયે
નાથજીને નિરખી મારાં
ઝીણી રે પછેડી ઓઢી, ધર્મને લાલે,
પલવટ પાળી છે વહાલે, પીળે દુશાલે
નાથજીને નિરખી મારાં
કોટમાં કંઠી ને, કેસર તિલક કીધું,
મુખને મરકલડે મારું મન હરી લીધું
નાથજીને નિરખી મારાં
જોઈ રહું જીવન તમને, ચંદ જ્યું ચકોરી,
પ્રેમાનંદના નાથ મારી, છો જીવનદોરી
નાથજીને નિરખી મારાં