28 પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા


પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,
હરનિશ  એને ગાવું  રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,
તપ તીરથ વૈકુંઠ પદ મુકી
મારા ભગત બોલાવે ત્યાં જાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
 
લક્ષ્મીજી  અર્ધાગના  મારીજી,
પણ મારા  સંતની  દાસી  રે
અડસઠ તિર્થ મારા સંતોને ચરણે,
કોટી ગંગા કોટી કાશી રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
 
સંત ચાલે ત્યા હુ આગળ ચાલુજી,
અને સંત સૂએ તો હું જાગુ  રે
મારા સંતની  નિંદા  કરે એની,
જીહવા સઘળી કાપુ રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
 
મારા બાંધ્યા વૈષ્ણવ છોડે જી,
વૈષ્ણવે બાંધ્યા મેલ  છૂટે  રે
એક વાર મને વૈષ્ણવ બાંધે તો,
તે  બંધન નવ તુટે   રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
 
બેસીને ગાય ત્યારે ઉભોઉભો સાંભળું,
ઉભાઉભા ગાય ત્યારે નાચું રે
હુ તો વૈષ્ણવથી ક્ષણ નહિ અળગો,
ભણે નરસૈંયો સાચુ રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા


Leave a Reply

Your email address will not be published.