સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું
સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું,
ધર્મકુંવરનું
મોતીડે મોળિયું સુંદર મોતીડે મોળિયું,
રસિક સુંદરનું
સોનેરી મોળિયું સુંદર
ભાલ વિશાળમાં સુંદર ભાલ વિશાળમાં,
તિલક કેસરનું
ભૃકુટી સુંદર જાણિયે ભૃકુટી સુંદર રે,
ઘર મધુકરનું
સોનેરી મોળિયું સુંદર
કરણે કુંડળિયાં કાજુ કરણે કુંડળિયાં,
જડિયલ મોતિયે
ગોળ કપોળમાં ઝળકે ગોળ કપોળમાં,
ઝળહળ જ્યોતિયે
સોનેરી મોળિયું સુંદર
નેણાં રંગીલા લાલ નેણાં રંગીલા લાલ,
કમળની પાંખડી
પ્રેમાનંદ નીરખી છબી પ્રેમાનંદ નીરખી રે,
ઠરી છે આંખડી
સોનેરી મોળિયું સુંદર