33 કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા


કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા
આવી મારા તનડા કેરા તાપ નિવાર્યા સજની
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા

હરખે શું ઊઠી હું તો સન્મુખ ચાલી,
તેડી બેસાર્યા મેં તો બાંહ્યલડી ઝાલી,
હરિને નીરખીને હું તો થઈ રહી અનુરાગી સજની
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા

હરિને જમાડ્યા મેં તો હાથે સાહેલી,
કુળની મરજાદા પણ મેં કોરે લઈ મેલી,
હરિને જમાડી હું તો થઈ રહી છું ઘેલી સજની
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા

ઊંચી અગાશી મારી નૌતમ મેડી,
ઊંચે આવાસે મુજને એકાંતે તેડી,
હૈડાની રાડ્યો મેં તો હરિ આગળ રેલી સજની
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા

વણ તેડ્યા વહેલા મારે મંદિર આવે,
મન કોડે મોહન મીઠી વેણું વજાવે,
હેત કરીને મુજને હસીને બોલાવે સજની
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા

રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો,
કેડ્યે ફરે છે જીવનપ્રાણ અમારો,
મુક્તાનંદ કહે છે મારો જન્મ સુધાર્યો સજની
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા


Leave a Reply

Your email address will not be published.