સર્વે સખી જીવન જોવાને ચાલો રે,
શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે
એની શોભા મુખે વર્ણવી ન જાય રે,
જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે
રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,
છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે
મળ્યાં આવે મહામુનિનાં વૃન્દ રે,
તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ રે
શુક સનકાદિક ઉત્તમ જશ ગાવે રે,
નૃત્ય કરે નારદ વીણા બજાવે રે
નિજ સખા ચમર કરે લઈ હાથ રે,
આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે