આજ મેં તો દીઠા રે
અલબેલો આવતા રે લોલ,
ગિરિધર પ્રેમીજનને સંગ રે
સુંદર મોળીડું રે શોભે શિર ઉપરે રે લોલ,
જરકસી જામો પહેર્યો અંગ રે
ફૂલડાંના તોરા રે ખોસ્યા બાઈ ખૂપમાં રે લોલ,
ગજરા બાંધ્યા છે બેઉ હાથ રે
ફૂલડાંના હાર રે હીંચે ઘણું હઈડે રે લોલ,
નખશિખ શોભે છે ઘણું નાથ રે
લટકંતા આવે રે લેવા મન માહરું રે લોલ,
જોઈ જોઈ મોહી રહ્યું મારું ચિત્ત રે
શું કરું સાહેલી રે ઘેલી થઈ (હું) ફરું રે લોલ,
હૈયું તો રહ્યું નહિ મારે હાથ રે
રસબસ થઈ રે બાઈ એના રૂપમાં રે લોલ,
નીરખી નિષ્કુળાનંદનો નાથ રે