લાલા તારા રૂપાના ચરણ,
કંકુવર્ણી પાનીએ લાલા તને ઓળખ્યો હો રાજ.
લાલા તારા વાંકડીયા છે કેશ,
લાલા તારા નમણાં છે નેણ,
અણિયાળી આંખે રે લાલા તને ઓળખ્યો હો રાજ.
લાલા તારા ગુલાબી છે ગાલ
લાલા તારું અણીયારુ નાક,
તેજના લલાટે લાલા તને ઓળખ્યો હો રાજ.
લાલા તું તો જાતો મધુવન વાટ,
લાલા તે તો ચારી ધોરી ગાય,
કાળી રે કામળીએ લાલા તને ઓળખ્યો હો રાજ.
લાલા તું તો જાતો જમુના ઘાટ,
લાલા તારી ગોપી જુવે વાટ,
રાસની રમઝટે લાલા તને ઓળખ્યો હો રાજ.
લાલા તારા કાને કુંડળ બેય,
લાલા સોહે હીરા મુગટ માથેય,
મોરના પીછે રે લાલા તને ઓળખ્યો હો રાજ.
લાલા તારા નંદબાવા છે તાત,
લાલા તારા જશોદાજી છે માત,
અંતરની ઓળખાણે લાલા તને ઓળખ્યો હો રાજ.
લાલા તારી ચટકતી છે ચાલ,
લાલા તારી ભ્રકુટી છે વિશાલ,
ઝાંઝરના ઝમકારે લાલા તને ઓળખ્યો હો રાજ.