મારું મનડું જ્યાં મોહી જાય એવું રૂપ રસિયાનું,
જોવા લોચનિયાં લલચાય, એવું રૂપ રસિયાનું
ભરવા હું ગઈ તી પાણી, દીઠો નંદકુંવર લોભાણી,
મારી ધીરજ છૂટી જાય, એવું રૂપ રસિયાનું
એણે કીધું એક હસીડું, કાંકરડે ફોડ્યું બેડું,
તો યે રીસ જરી ન કરાય, એવું રૂપ રસિયાનું
હું બેડલું બીજું લાવી, ને પાણી ભરવા આવી,
મારે હૈયે હરખ ન માય, એવું રૂપ રસિયાનું
ઊભા રોકી મારગડો, કરવા માંડ્યા કૈં ઝગડો,
તો યે મુખડે નવ બોલાય, એવું રૂપ રસિયાનું
પાલવડો એણે ઝાલ્યો, છેડો હાથે વીંટાળ્યો,
તો યે કંઈયે ન કહેવાય, એવું રૂપ રસિયાનું
એણે નયન કટારી મારી, તો યે લાગી મુજને પ્યારી,
મુખડું મંદ મધુર મલકાય, એવું રૂપ રસિયાનું
અલિ ! ઊભી કાં શરમાતી, તું છે જોબન રસમાતી,
એવાં વચન મધુર બોલાય, એવું રૂપ રસિયાનું
મુજ કપોલ ઉપર ધારી, એક આંખલડી એણે મારી,
ત્યાં મુજ વાણી છૂટી જાય, એવું રૂપ રસિયાનું
તું શીદ હઠીલા અટકે, હું મોહિ છું તારે લટકે,
મારું સૌ કંઈ એનું થાય, એવું રૂપ રસિયાનું
હું ભરવા ગઈ તી પાણી, મેં પ્રેમ-પીડા ભરી આણી,
હાવાં એને કાં મળાય, એવું રૂપ રસિયાનું