લગનનું ટાણું એક દી’ આવશે જીવરાજા
જાન તારી જબરી જોડાવશે રે
કાયા તો તારી ત્યારે થરથર ધ્રુજશે
અન્નપાણીડાં નહીં ભાવશે રે
લગનનું ટાણું એક દી’ આવશે જીવરાજા
જાન તારી જબરી જોડાવશે રે
સગા રે વાલા તારી પાહે નહિ આવે
તારા મુવા માટે ની બાધા રાખશે રે
સ્વાર્થનો પ્રેમ સહુ ઉપલો બતાવશે
રોદણા રડીને દેખાડશે રે
અંત વેળાંએ તને પસ્તાવો થાશે
જીવનની નાવ તારી ડૂબશે રે
લગનનું ટાણું એક દી’ આવશે જીવરાજા
જાન તારી જબરી જોડાવશે રે
ઉપર જાવાની તારી તૈયારી થાશે
પછી પ્રાણ પંખેરુ તારું ઊડશે રે
અંગનાં ધરેણાં તારા ઉતારી લેશે
ધરતીની ઉપર પોઢાવશે રે
ચાર શ્રીફળ તારી પાલખીએ બાંધશે
ફૂલની પછેડી ઓઢાડશે રે
લગનનું ટાણું એક દી’ આવશે જીવરાજા
જાન જોડાતા તારા સગાંને વ્હાલાં
નાહકનાં નિસાસાં નાખશે રે
જાપા સુધી રે તને વળાવી આવશે
અમંગલ મંગળીયાં વર્તાશે રે
ચાર વિહામે તારો વરઘોડો કરશે
સ્મશાને ચિતા સળગાવશે રે
લગનનું ટાણું એક દી’ આવશે જીવરાજા
અગ્નિનો દાહ તારા દીકરાઓ દેશે
સ્નાન કરીને ઘેર આવશે રે
બાર રે દહાડે તારી ક્રિયાઓ કરશે
મીઠાઈ ભોજન મંગાવશે રે
વરસ થાતાં તારી વરસી એ વાળશે
પછી તું યાદ નહીં આવશે રે
લગનનું ટાણું એક દી’ આવશે જીવરાજા
જમનાં દરબારે તારું જોર નહીં ચાલે
પલ પલનાં લેખાં ત્યાં તો માંગશે રે
જીન્દગી રે તે તો તારી એળે ગુમાવી
અફસોસ એનો તને લાગશે રે
સાચાં સતગુરુનું શરણું જે શોભશે
તાર ત્રિકમ માની આવશે રે
માધવ નામમાં મસ્ત બનીને
જનમ મરણ ફેરા તાડશે રે
લગનનું ટાણું એક દી’ આવશે જીવરાજા