રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યું,
માતાજીએ હરખે પહેરાવ્યું રે…
રાધાજીનું ઝાંઝરીયું
ચાર પાંચ સહીયર ભેળા થઈને,
સોનલા ઈંઢોણીને રૂપલાનું બેડું,
રાધા પાણી ચાલ્યા રે
રાધાજીનું ઝાંઝરિયું
વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા,
ઝાંઝર જળમાં ડુબ્યું રે
રાધાજીનું ઝાંઝરિયું
ધ્રુસકે ને ધ્રુસકે રાધા રુવે,
સહિયરો છાના રાખે રે
રાધાજીનું ઝાંઝરિયું
ગાયો ચરાવતા એક ગોવાળ આવ્યા,
રાધાજીને પૂછવા લાગ્યા રે
રાધાજીનું ઝાંઝરિયું
ઝાંઝર કાઢો તો એક દોકડો રે આપું,
કોઈક દિન માખણ આપું રે
રાધાજીનું ઝાંઝરિયું
કછોટા વાળીને કાનો જળમાં રે પડિયો,
ધબકે ઝાંઝર લાવ્યો રે
રાધાજીનું ઝાંઝરિયું
દોકડો ન આપ્યો એણે માખણ ન આપ્યું,
રાધા જળ ભરી ચાલ્યા રે
રાધાજીનું ઝાંઝરિયું
ચાર પાંચ ગોવાળ ભેગા થઈને,
રાધાને રસ્તામાં રોક્યા રે
રાધાજીનું ઝાંઝરિયું
રાધાજી તો કાનાને પાયરે પડ્યાં,
તમે જીત્યાને અમે હાર્યા રે
રાધાજીનું ઝાંઝરિયું
માખણ જોઈએ તો તમે બરસાનામાં આવજો,
દોકડો જોઈએ તો તમે ગોકુળમાં આવજો,
પ્રભુજી તો મંદિર જઈને ઉભા રે
રાધાજીનું ઝાંઝરિયું
માખણ આપ્યુંને એણે દોકડો રે આપ્યો,
ઉપરથી રાધાજી પરણાવ્યા રે
રાધાજીનું ઝાંઝરિયું
રાધાજીનું ઝાંઝર જે કોઈ ગાશે,
વ્રજમાં વાસ થાશે રે
રાધાજીનું ઝાંઝરિયું