ગુરુજીના નામની હો માળા છે ડોકમાં,
નારાયણ નામની હો, માળા છે ડોકમાં
ગુરુજીના
ખોટું બોલાય નહિ, ખોટું લેવાય નહિ,
અવળું ચલાય નહિ હો, માળા છે ડોકમાં
ગુરુજીના
ક્રોધ કદી થાય નહિ, પરને નિંદાય નહિ,
કોઇને દુભવાય નહિ હો, માળા છે ડોકમાં
ગુરુજીના
પરને પોષાય નહિ, હું પદ ધરાય નહિ,
પાપને પોષાય નહિ હો, માળા છે ડોકમાં
ગુરુજીના
સુખમાં છકાય નહિ, દુઃખમાં રડાય નહિ,
ભક્તિ ભુલાય નહિ હો, માળા છે ડોકમાં
ગુરુજીના
ધન સંઘરાય નહિ, એકલા ખવાય નહિ,
ભેદ રખાય નહિ હો, માળા છે ડોકમાં
ગુરુજીના
બોલ્યું બદલાય નહિ, ટેકને ત્યજાય નહિ,
કંઠી લજવાય નહિ હો, માળા છે ડોકમાં
ગુરુજીના
હરિહરા નંદ કહે, સત્ય ચકાય નહિ,
નારાયણ વિસરાય નહિ હો, માળા છે ડોકમાં
ગુરુજીના