03 જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો


જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો,
જૂનો ધરમ લ્યો જાણી રે હે જી…

નદી કિનારે કોઇ નર ઊભો,
તૃષા નહિ છીપાણી રે હે જી
કાં તો એનુ અંગ આળસુ,
કા સરિતા સુકાણી…મારાં

કલ્પતરૂ તળે કોઇ જન બેઠો,
ક્ષુધા ખૂબ પીડાણી રે હે જી
નહિ કલ્પતરૂ નક્કી બાવળિયો,
કાં ભાગ્ય રેખા ભેળાણી…મારાં

સદગુરૂ સેવ્યે શિષ્ય ન સુધર્યો,
વિમળ થઇ નહિ વાણી હે જી
કાં તો ગુરૂ જ્ઞાન વિનાના,
કાં તો એ પાપી પ્રાણી…મારાં

ભક્તિ કરતાં ભય દુ:ખ આવે,
ધીરજ નહિ ધરાણી રે હે જી
કાં સમજણ તો રહી ગઈ છેટે,
કા નહિ નામ નિર્વાણી…મારાં

ચિંતામણિ ચેત્યો નહી,
મળી ચિંતા નવ ઓલાણી રે હે જી
નહિ ચિંતામણિ નક્કી એ પથરાં,
વસ્તુ ન ઓળખાણી…મારા

મળ્યું, ધન તોયે મોજ ન માણી,
કહું કરમની કહાણી રે હે જી
કાં તો ભાગ્ય બીજાનું ભળિયુ,
કાંતો ખોટી કમાણી…મારાં

અમૃત મળ્યું પણ અમર થયો નહિ,
પીવાની જુગ્તિ ન જાણી
કાં તો ઘટમાં ગયું નહિ ને,
કાં પીવામાં આવ્યું પાણી…મારાં

ધર્મ કર્મને ભક્તિ જાણે,
ભેદ વિના ધુળ ધાણી રે હે જી;
કહે ગણપત સમજી લ્યો સંતો,
પૂરી પ્રીત સમાણી…મારાં


Leave a Reply

Your email address will not be published.