મારી હૂંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
હે મને એક જ તમારો આધાર રે શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
હે પ્રહલાદને ઊગારવા વાલે ધર્યુ નરસિંહ રૂપ,
સ્થંભ થકી વાલો પ્રગટીયા,
વાલે માર્યો હિરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
રાણાજીયે રઢ કરી, વળી મીરાને કાજ
ઝેરના પ્યાલા મોકલ્યા રે
વાલો ઝેરનો જારણહાર રે શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
ગજને વાલે ઉગારીયો, અને સુદામાની ભાંગી ભૂખ
સાચી વેળાના મારા વાલમા રે
તમે ભક્તોને આપ્યા સુખરે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
પાંડવોની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પુર્યા ચિર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે
તમે સુબદ્રા બાઈના વીર રે શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
ચાર જણા તિર્થ વાસી રે, વળી રૂપિયા સો સાત,
વેલા પધારજો દ્વારકા રે,
મને ગોમતીમા નાહ્યાની ખાંત રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
રેવાને નથી ઝુપસડી, વળી જમવાને નથી જુવાર,
બેટો બેટી વળાવીયા રે,
મેતો વળાવી ઘરની નાર રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
ગરથ મારુ ગોપીચંદન, વળી તુલસી હેમ કેરો હાર
સાચુ નાણું મારુ શ્યામળો રે
મારે દોલતમાં ઝાંઝ પખવાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
નથી બ્રાહ્મણ નઈ વાણીયો, નથી ચારણ કે નઈ ભાટ,
લોકો કરે છે મારી ઠેકડી,
નથી શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
તિર્થવાસી સૌ હાલીયા રે, વળી આવ્યા નગરની બાર,
વેશ લીધો વણિકનો રે,
મારુ શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
હૂંડી લાવો મારા હાથમાં, વળી આપું પુરેપુરા દામ,
રૂપિયા આપુ તમને રોકડા રે
મારુ શામળશા એવું નામ રે શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…
હૂંડી સ્વિકારી શામળે, વળી અરજે કીધા જોને કામ
મહેતાજી કરી લખજો મને,
મુજ વાણોતર સરખા કામ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…