17 લવિંગ કેરી લાકડિએ રામે સીતાને


લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો 

રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો

રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો

રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો

રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો

રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો

રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો


Leave a Reply

Your email address will not be published.