જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
આવડી ધૂમ મચાવે વ્રજમાં નહિ કોઇ પૂછણહાર રે
હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
શીકુ તોડ્યુ ગોરસ ઢોળ્યુ ઉઘાડીને બાર રે
માખણ ખાધુ ને ઢોળી નાંખ્યું જાણ કીધું આ વારરે
હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
ખાખા ખોળા કરતો હીંડે બીયે નહી લગાર રે
મઈ મથવાની ગોળી ફોડી, આશા કહીયે લાડ રે
હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
મારો કાનજી ઘરમાં હતો નથી નિકળ્યો બાર રે
દઈ દુધના માટ ભર્યા બીજે ચાખે ના લગાર રે
હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
શાને કાજે મળીને આવી ટોળી વળી દસબાર રે
નરસૈંયાનો સ્વામી સાચો જુઠી વ્રજ નાર રે
હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે