23 સુખ દુઃખ મનમાં ન આણીએ


સુખ દુઃખ મનમાં ન આણીએ,
ઘટ સાથે રૈ ધડિયાં.
ટાળીયા તે કોઇનાં નવ ટળે,
રઘુનાથનાં જડિયાં….

નળ રાજા સરખો નર નહીં.
જેની દમયંતી રાણી,
અર્થે વસ્ત્ર વનમાં ભમ્યાં,
ન મળ્યાં અન્ન ને પાણી…
સુખ દુઃખ મનમાં…..

પાંચ પાંડવ સરખાં બંધવા,
જેને દ્રૌપદી રાણી,
બાર વરસ વન ભોગવ્યાં.
નયણે નિંદ્રા ન આણી..…..
સુખ દુઃખ મનમાં…

સીતા સરખી સતી નહીં,
જેના રામજી સ્વામી,
રાવણ તેને હરી ગયો,
સતી મહાદુઃખ પામી….
સુખ દુઃખ મનમાં….

રાવણ સરખો રાજ્યિો.
જેની મંદોદરી રાણી.
દસમસ્તક છેદાઇ ગયા,
બધી લંકા લૂંટાણી….
સુખ દુઃખ મનમાં….

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો,
જેની તારામતી રાણી,
જેને વિપત્તિ બહુ પડી,
ભર્યાં નીચ ધેર પાણી..
સુખ દુઃખ મનમાં…..

શિવજી સરખા સાધુ નહીં,
જેની પાર્વતી રાણી.
ભોળવાયા ભીલડી થકી,
તપમાં ખામી ગણાણી…
સુખ દુઃખ મનમાં…

એ વિચારી હરિને ભજો,
તે સહાય જ કરશે,
જુઓ આગે સહાય ધણી કરી,
તેથી અર્થ જ સરશે….
સુખ દુઃખ મનમાં…

સર્વ કોઈને જ્યારે ભીડ પડી
સમર્યા અંતરાયમી
ભાવટ ભાંગી ભૂધરે
મહેતા નરસૈયાના સ્વામી
સુખ દુઃખ મનમાં…


Leave a Reply

Your email address will not be published.