ધરમ ધુરંધર રે પાળ્યો હોલીને હોલે ખરો,
અતિથિના કારણે હોલો ઉડીને અગ્નિમાં બળીયો
અસુરો અતિથિ ચાલ્યો, રણ વગડે થઈ રાત,
દુ:ખી દશા થઈ તેહની, તનમાં ઉપજ્યો ત્રાસ,
હવે રજની કેમ જાશે રે સંકટ દેખી સોસમાં પડ્યો
હોલે હોલી ને પૂછ્યું, સતી સાચવજો આશરાનો ધર્મ,
અહીંયા અતિથિ દુઃખી થશે, તો લાગશે આપણાને કરમ,
આવો અવસર નાવે રે, તન મન ધન અર્પણ કરો
અન્ન પાણી અત્યારથી હોલો કહે છે હરામ,
પ્રાણ બચાવવા પરદેશીના, એ જ આપણો ધર્મ,
ત્યાંથી હોલો ઉડ્યો રે, અગ્નિ લાવીને આગળ ધર્યો
આસપાસથી વિણ્યા ઈંધણા, અને નાખ્યા અગ્નિ માંય,
શીત ઉડી શરીરની, પછી મરણ તણી ભે ગઈ,
મગન થયો મન મારે, પર ઉપકાર પંખીએ કર્યો
હોલીએ હોલા ને પૂછ્યું, આ તો છે અઘોર વન,
ક્ષુધાવંત તે ખાશે શું, માટે અગ્નિમાં હોમુ આ તન,
રંધાશે માટી મારી રે ક્ષત્રિય છે તે ખાશે ખરી
પત્ની કહે હું પડું અને હોલો કહે હું પડું,
પુરુષથી પ્રજા સચવાશે નહીં મારે બચ્ચા બચાવજેતું,
એકતા કહીએ એની રે અગ્નિમાં ઉડીને પોતે પડ્યો
પછી હર હર કરતા હોળી પડી, પડતાં કર્યો પોકાર,
નોંધારાની આધાર તું,રામા થાજો અમ રખવાળ,
બચ્ચા મેલ્યા માને રે, સતી એ સતવૃત સાચવ્યો ખરો
ધન છે એ ભૂમિને અને ધન છે તેને અવતાર,
દાસ સવો કહે દુનિયા મધ્યે એવા પડ્યા હરિના દાસ,
વાસ કીધો વૈકુંઠે રે, ગયા છે તારી અને તરી