પુરણહારો પીર રામદે,
સંતોનો સમરથ ધણી,
ઓથ રાખી ઓલિયાની,
રિદ્ધી સિદ્ધી આપે ઘણી
નરસિંહ મહેતા નિરધન હતા,
નાગરોએ હાંસી કરી ઘણી,
સાતસો રૂપિયા શામળિયે,
આવી દ્વારકામાં દિધા ગણી
પુરણહારો પીર
વીપ્ર સુદામે વિપતું વેઠી,
ખાલ સુકાણી દેહીયું તણી,
કાયમ ધણી કારીગર થઇને,
મેલ કંચનનાં દિધા ચણી
પુરણહારો પીર
દુર્યોધનને દુર્મતિ સુજી તેદી,
ત્રિક્રમ પધાર્યા તઇ બની,
દ્રોપદીની લજ્જા રાખી,
સાડીયું ઓઢાડી વગર ગણે
પુરણહારો પીર
પછમ ધરામાં પીર પ્રગટ્યા,
ખબર લેવા ખાવન ધણી,
દાસ સવાની ડેલી આવ્યા,
હરીજનોના મુગટ મણી
પુરણહારો પીર.