ગગન ગઢ રમવાને હાલો,
નિરાશી પદમાં સદા માલો
પડવે ભાળ પડી તારી,
મધ્યો મધ્ય નિરખાયા મોરારી,
વાલમ વર જાંઉ હું વારી
બીજે બોલે બહુનામી,
ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી,
જુગતીથી તમે જોઇ લો અંતર જામી
ત્રીજે તુરઇ વાજા વાગે,
સુરતા મારી સનમુખ રહી
મહા સુન મોરલીયું વાગે
ચોથે ચંદ્ર ભાણ વાળી,
જોવે કોઇ આપાપણાને ટાળી,
ત્રિવેણી ઉપર નૂર લ્યો નિહાળી
પાંચમ પવન થંભે ઠેરી,
લાગી મુને પ્રેમ તણી લેરી,
સુરતા મારી શબદુમાં ઘેરી
છઠે જોવો સનમુખ દ્વારે,
ત્રિવેણી ઉપર નાયાનો આરો,
ત્યાં તો સદા વરસે અમર ધારો
સાતમે સમરણ જડ્યું સાચું,
આ તો કોઇ વિરલા જાણે વાતું,
જડ્યું હવે આદુનું ખાતું
આઠમે અકળ કળા એની,
વાતું હવે કયાં જઇ કરું વેહની,
રહું હું તો શબ્દ નીસામાં ઘેની
નોમે મારે નિરભે થયો નાતો,
છોડાવ્યો જમપુરીથી જાતો,
સદગુરૂએ શબ્દ દિધો સાચો
દસમે જડી દોર તણી ટેકી,
મધ્યમાં મળ્યા અલખ એકાએકી,
સુરતા મારી દંગ પામી દેખી
એકાદશી અવીઘટ ઘાટ એવો,
શબ્દ લઇને સુરતાને સેવો,
સદાય તમે સોહં પુરૂષ સેવો
દ્વાદશી દુર નથી વાલો,
સમજ વિના બારે ફરતો ઠાલો,
સુખમણ સાથે પી લ્યો પ્યાલો
તેરસે વાળી ત્રિવેદી ઉપર ધારા,
જપું નીજ નામ તણી માળા,
પ્રગટ્યા રવિ ઉલટ્યા અજવાળા
ચૌદશે કહ્યું ચીત કરે નહીં મારું,
થયું ઓચિંતું અજવાળું,
સદગુરૂએ તોડ્યું વજ્જર તાળું
પુનમ દેખી પુરણ પદ પામી,
મળ્યા જ્યારે ફુલગરજી સ્વામી,
રહે છે સવો ચરણમાં શીશ નામી