(અખંડ સૌભાગ્યનું ગીત)
લીલાં તોરણ આસોપાલવનાં
લીલાં તોરણ આસોપાલવ તણાં,
લીલી ઘાટડી કન્યા શિર અંગ,
અખંડ સૌભાગ્ય હો.
લીલી વાને તે નાગર વેલિયો,
નીલા તાંબુલ શો પ્રીતિ રંગ,
અખંડ સૌભાગ્ય હો.
સો સો શરદ જીવો તમ દંપતી,
વજ્ર ચૂડી અમર ચાંદલો ભાલ,
અખંડ સૌભાગ્ય હો.
પ્રેમ સરોવરિયે દંપતી ડૂબજો,
મણિમય હો સફળ વરમાળ,
અખંડ સૌભાગ્ય હો.