(કંસાર જમતી વખતે)
લાડો લાડી જમે રે કંસાર,
આજ આનંદ અતિ ઘણો રે,
પાસે બેઠી સૈયરો બે ચાર,
તપાસ રાખે તે તણો રે,
રત્ન જડિયો બાજોઠ વિશાળ,
મૂકે છે મુખ આગળ રે
તે ઉપર શોભીત સોનાનો થાળ,
ત્યાં ઝારી ભરી છે જળે રે,
સાસુજી શુભ સજીને શણગાર,
પીરસવાને આવિયાં રે,
ઘીની વાઢી સાકર તૈયાર,
રકાબી ભરીને લાવિયાં રે,
પીરસતાં મન મલકાય,
આનંદ અંગે અંગમાં
ભેગાં બેસી જમે વર કન્યાય,
અધિક રંગ ઉરમાં રે
અન્યોઅન્ય જમાડે કરી પ્રીત,
મલકતા મુખથી કરે રે
ગોરી મળી ગાય મંગળગીત,
આશિષ સહુ ઉચ્ચારે રે,
જમી રહીને લીધાં આચમન,
સાસુએ નીર આપિયાં રે,
જોઈ જોઈ હરખ્યા સ્વજન,
સંતોષ સર્વે પામિયા રે,
વરકન્યાએ લીધો મુખવાસ,
સ્વજન જુઓ સ્નેહથી રે,
સગાં-સ્નેહીએ આવીને પાસે,
નજરાણો કીધો સ્નેહથી રે,
વર-કન્યાનું જોઈ તે કામ,
ઉર આનંદ અપાર થયો રે,
દિલથી આશિષ દે છે સૌ જન,
જગે જય જયકાર થયો રે…