શ્યામ સલૂણો, આવિયા રે
શ્યામ સલૂણો આવિયા
ધન્ય ઘડી છે આજની રે,
આવ્યા શ્યામ સલૂણો…
વહાલો પધાર્યા એવી સાંભળી વધામણી,
સૂરત ભૂલી ઘરકાજની રે
આવ્યા શ્યામ સલૂણો…
સામૈયું લઈને ચાલી વહાલાને વધાવવા,
શંકા ન રાખી લોક લાજની રે
આવ્યા શ્યામ સલૂણો…
વાજાં નગારાં ઢોલ શરણાઈ વજાડી,
કરો ધુન્ય તાલ પખાજની રે
આવ્યા શ્યામ સલૂણો…
બ્રહ્માનંદ કહે આવી વસી મારે અંતરે,
મૂર્તિ રસિક વૃષરાજની રે
આવ્યા શ્યામ સલૂણો…