રહેજો મારી આંખલડી આગે…
નીરખી તમને નાથજી,
મારી ભુખલડી ભાંગે
રહેજો મારી આંખલડી આગે…
ચમકા કરતી ચાખડી રે, કેસરિયે વાઘે
શીશ કલંગી શોભતી,
વા’લા જરકસિયે પાઘે.
રહેજો મારી આંખલડી આગે…
રસિક સલૂણા રાજને,
હું તો રીઝી છું રાગે
જોઈ જોઈ તમને જાદવા,
નિત પ્રીતલડી જાગે
રહેજો મારી આંખલડી આગે…
કમર કટારે વાંકડો રે,
અતિ પ્યારો લાગે;
અધક્ષણું રહો મા વેગળા,
એમ બ્રહ્માનંદ માગે
રહેજો મારી આંખલડી આગે…