તમે મીઠું બોલીને મન લીધું રે
મીઠડા બોલાજી,
કાંઈ કામણ કીધું રે મીઠડા બોલાજી
તમે મીઠું બોલીને…
સુણી મુખની મીઠી વાણી રે,
કરું તન મન ધન કુરબાની રે
મીઠડા બોલાજી
તારું રૂપ અલૌકિક જોયું રે,
જોઈ મનડું મારું મોહ્યું રે
મીઠડા બોલાજી
મેં તો સેજડી બિછાઈ તમ સારુ રે,
આવો કોઈ નથી કહેનારું રે
મીઠડા બોલાજી
શીદ ડરતાં ડરતાં ચાલો રે,
મારા મંદિરિયામાં મા’લો રે
મીઠડા બોલાજી
સર્વે વશ કીધી વ્રજનારી રે,
જાય બ્રહ્માનંદ બલિહારી રે
મીઠડા બોલાજી,