સુણો ચતુર સુજાણ,
એમ ન ઘટે રે તમને દીનાનાથજી;
મારા પ્રાણના આધાર,
જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી
અમે તમ કારણ સહ્યાં મેણાં,
નાથ નીરખવા ને સુણવા વેણાં;
અમે તૃપ્ત નવ કીધાં નેણાં
સુણો ચતુર સુજાણ,
અમે લોકલાજ કુળની લોપી,
કહેવાયા ગિરધરની ગોપી;
અમે તમ કારણ પહેરી ટોપી
સુણો ચતુર સુજાણ,
પહેલી પ્રીત કરી શીદને આગે,
દૂધ દેખાડીને માર્યા ડાંગે;
પછી તેને તે કેવું વસમું લાગે
સુણો ચતુર સુજાણ,
કાંઈ દયા આવો તો દર્શન દેજો,
નહિ તો અખંડ અંતરમાં રહેજો;
એમ શ્રીરંગના સ્વામીને કહેજો
સુણો ચતુર સુજાણ