એકલી ઉભી કોઈ અજોધાની નાર
બાપ બેટાનાં દાણ માગે છે,
મસાણું મોઝાર..એકલી
રાણી હતી તે દાસી બનેલી,
દાસ થયો રાજકુમાર
વેણ કાજે હરિય% વેચાણો,
બારવાળાને બાર… એકલી
ભુત હોકારે ને પ્રેત ખોખારે,
ડાકણીના પડકાર
તોય તારદેનું દિલ ન કપ્યું,
કંપી ઉઠયો કિરતાર…એકલી
ઓઢેલું ફાડીને લાશ ઓઢાડી,
ચુમી લીધી બે ચાર.
જાયાને માથે ઉભી જનેતા,
આભ ડોલવતા હાર… એકલી
બળતી ચેમાંથી ઇંધણા લાવી,
પુત્રની પાલણહાર
ફુંક મારે ને આગ ચેતાવે,
ન સળગે અંગાર.. એકલી
દાણ દીધા વિના દાગ ન દેજે,
હાક ઉઠી તે વાર
સામું જોયું ત્યાં સ્વામી પોતાનો,
તાણી ઉભો તલવાર..એકલી
હાલ્યો હેમાળે ને ધરતી ધ્રુજી,
દેવના કંપ્યા વાર
શિવ, બ્રહ્મા હરિ દોડી આવ્યા,
તાપ લાગ્યો તે વાર..એકલી
ધન રાજા રાણી કૈક તમારી
ધન્ય છે રાજકુમાર
‘કાગ’ કે તારા કુળમાં જૈશ
હું અજોધામાં અવતાર…એકલી