36 તેને ઘેર શીદ જઈએ


જેને મારા પ્રભુજીની ભક્તિ ના ભાવે રે,
તેને ઘેર શીદ જઈએ?
જેને ઘેર સંત પ્રાહુણો ના આવે રે,
તેને ઘેર શીદ જઈએ?

સસરો અમારો અગ્નિનો ભડકો,
સાસુ સદાની શૂળી રે.
એની પ્રત્યે મારું કાંઈ ના ચાલે રે,
એને આંગણિયે નાખું પૂળી રે
તેને…

જેઠાણી અમારી ભમરાનું જાળું
દેરાણી તો દિલમાં દાઝી રે,
નાની નણંદ તો મોં મચકોડે,
તે ભાગ્ય અમારે કર્મે પાજી રે
તેને…

નાની નણંદ તો મોં મચકોડે,
બળતામાં નાખે છે વારિ રે,
મારા ઘર પછવાડે શીદ પડી છે?
બાઈ તું જીતી ને હું હારી રે
તેને…

તેને ખૂણે બેસીને મેં તો ઝીણું કાંત્યું,
તે નથી રાખ્યું કાંઈ કાચું રે,
બાઈ મીરાં ગિરિધર ગુણ ગાવે,
તારા આંગણિયામાં થેઈ થેઈ નાચું રે
તેને…


Leave a Reply

Your email address will not be published.