દ્વારકામાં કોઇ તને પૂછશે કે કાન
દ્વારકામાં કોઇ તને પૂછશે કે કાન
ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું જવાબ દઇશ માધા?
તારું તે નામ તને યાદે નો’તું તેદિ’
રાધાનું નામ હતું હોઠે,
ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં,
તોય રાધા રમતી’તી સાત કોઠે.
રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે
આવા તે સોગન શીદ ખાધા?
તો શું જવાબ દઇશ માધા?….
રાધાના પગલામાં વાયું વનરાવન ,
તું કાજળ બનીને શીદ ઝૂલ્યો?
રાધાના એક એક શ્વાસ તણે ટોડલે
તું આષાઢી મોર બની ફૂલ્યો,
ઇ રાધા ને વાંસળી આઘાં પડી ગયાં,
આવા તે શું પડ્યા વાંધા?
તો શું જવાબ દઇશ માધા?
ઘડીકમાં ગોકુળ,ઘડીકમાં વનરાવન,
ઘડીકમાં મથુરાના મ્હેલ,
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું,
ઘડીકમાં કુબ્જાન ખેલ!
હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ,
કાન! સ્નેહમાં તે હોય આવા સાંધા?
તો શું જવાબ દૈશ, માધા?….
ગોકુળ,વનરાવન, મથુરા ને દ્વારકા,
ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ,
નહીંતર રાખું એને આઘા,
સઘળો સંસાર મારો સોળે શણગાર,
મારા અંતરનો આતમ છે રાધા
કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા…