યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
હરિ ભાવના હોય તો હિંમત રાખો,
ને જેનો પરિપૂર્ણ સરવમાં વાસ રે
યોગી થવું હોય તો
રજોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણોનો નાશ રે
યોગી થવું હોય તો
સત્વગુણમાં ભેદ છે મોટો,
ને એક શુદ્ધ બીજો મલિન કે’વાય
મલિન ગુણોનો ત્યાગ કરવો,
ને પરિપૂર્ણ યોગી થાય રે
યોગી થવું હોય તો
વિદેહદશા તેહની પ્રગટે તેથી,
ત્રણ ગુણોથી થયો પાર રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂર્યાતિતમાં તાર રે
યોગી થવું હોય તો