36 વિવેક રાખો તમે સમજી ચાલો


વિવેક રાખો તમે સમજી ચાલો,
ને વસ્તુ રાખો ગુપત રે
મુખના મીઠા ને અંતરના ખોટા,
ને એવાની સાથે ન થાજો લુબ્ધ રે
વિવેક રાખો તમે

અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું,
જેને રે’ણી નહીં લગાર રે,
વચન લંપટ ને વિષય ભરેલા
ને એવાની સાથે મેળવવો નહિ તાર રે
વિવેક રાખો તમે

અહંતા મમતા આશા ને અન્યાય
ને ઈર્ષા ઘણી ઉરમાંય રે,
એવા માણસને અજ્ઞાની ગણ્યા,
ને પોતાની ફજેતી થાય રે
વિવેક રાખો તમે

દાઝના ભરેલા ન દુબજામાં પુરા,
ને નહિ વચનમાં વિશ્વાસ રે
ગંગા રે સતી એમ બોલ્યાં
ને તમે એવાથી પામજો ત્રાસ રે
વિવેક રાખો તમે


Leave a Reply

Your email address will not be published.