પદમાવતીના જયદેવ સ્વામી
તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે,
એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ,
એ તો થયાં હરિનાં દાસજી
પદમાવતીના જયદેવ
ગીત ગોવિંદનું જયદેવે કીધું,
જેનું નામ અષ્ટપદી કહેવાયજી,
પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો,
જેથી પદમાવતી સજીવ થાયજી
પદમાવતીના જયદેવ
ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં,
જયદેવ રહ્યા જોને સમાય જી,
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા,
પ્રત્યક્ષ હસ્તપ્રત માંહ્યજી
પદમાવતીના જયદેવ
ભક્તિ એવી પરમ પદદાયિની
તમને કહું છું, સમજાયજી,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
તો જીવ મટીને શિવ થાયજી
પદમાવતીના જયદેવ