54 રમીએ તો રંગમાં રમીએ


રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ,
મેલી દઈ લોકની મરજાદ રે,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે,
ન હોય ત્યાં વાદવિવાદ રે
રમીએ તો રંગમાં

કર્તાપણું કોરે મૂકીને રમતાં
આવશે પરપંચનો અંત રે,
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
એમ કહે છે વેદ ને સંત રે
રમીએ તો રંગમાં

સાંગોપાંગ એકરંગ થઈને રમો
લાગે નવ બીજો રંગ રે,
સાચાની સંગે કાયમ રમતાં
કરવી ભક્તિ અભંગ રે
રમીએ તો રંગમાં

ત્રિગુણરહિત થઈ કરે નિત કરમ
એને લાગે નહીં કર્તાપણાનો ડાઘ રે,
ગંગા સતી એમ બોલિયાં પાનબાઈ
તેને નડે નહીં કરમનો ભાગ રે
રમીએ તો રંગમાં


Leave a Reply

Your email address will not be published.