58 જુગતી તમે જાણી લેજો


જુગતી તમે જાણી લેજો પાનબાઈ
મેળવો વચનનો એક તાર,
વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર
જુગતી તમે જાણી

ભાઈ રે જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે.
મરજાદ લોપાઈ ભલે જાય.
ધરમ અનાદિયો જુગતીથી ખેલો
જુગતીથી અલખ તો જણાય
જુગતી તમે જાણી

ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ !
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં
જુગતી જાણે તો પર પોંચી જાય
જુગતી તમે જાણી

ભાઈ રે ! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે.
તે તો હરિ જેવા બની રે સદા,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તને તો નમે જગતમાં બધા
જુગતી તમે જાણી


Leave a Reply

Your email address will not be published.