કળા અપરંપાર,
એજી એમાં પહોચેં નહિ વિચાર,
એવી તારી કળા અપરંપારજી…
હરિવર તું કિંયે હથોડે,
આવા ઘાટે ઘડનાર જી
બાળકમાં એના માતાપિતાની,
આવે છે અણસાર.
એવી તારી કળા…
અણુંમાં આખો વડ સંકેલ્યો,
એના મૂળ ઉંધા મોરારજી
કીડીનાં અંતર કેમ ઘડીયાં,
સ્રુષ્ટી ના સર્જનહાર.
એવી તારી કળા…
જન્મ પહેલાં દૂધ જૂગતે,
તે કિધા છે તૈયારજી
મોરના ઈંડા મા રંગ મનોહર,
કેમ ભર્યા કિરતાર.
એવી તારી કળા…
કોણ કોણ કલ્પે કોણ કોણ બોલે,
કોણ હા ને ના કહેનારજી
પરસેવા ની લીખ સરજી,
તાગે ન તારણહાર.
એવી તારી કળા…
અણું અણું માં ઈશ્વર તારો,
ભાસે છે ભણકારજી
“કાગ” કહે કઠણાઈ તોયે,
આવે નહિં ઈશ્વર.
એવી તારી કળા…