સાયાંજીને કે’જો રે, આટલી મારી વિનતી રે,
ઓલ્યા ધુતારાને કે’જો રે, મારા પાતળિયાને કેજો રે,
આટલી મારી વિનતી રે જી,
ઓલ્યા ખેધીલાને કેજો રે, મારા વાદીલાને કે’જો રે,
આટલી મારી વિનતી રે જી,
જઈને કે’જો, આટલો મારો રે સંદેશ…
મારા સાયાજીને કે’જો રે, આટલી મારી વિનતી રે..
દાસી છે તમારી રે, દરશન કારણ દુબળી રે,
ઇ દાસીને દરશન દેજો રે હમેંશ…
મારા સાયાજીને કે’જો રે, આટલી મારી વિનતી રે.
જેને વિતી હોય તે જાણે રે, પરવિતી શું જાણે પ્રીતડી
કુંવારી શું જાણે રે પિયુજી તણો વિજોગ.
મારા સાયાજીને કે’જો રે, આટલી મારી વિનતી રે…
પિયુજીને મળવા રે, ચાલો સખીયું શુનમાં રે જી,
સરવે સાહેલી, પહેરી લેજો ભગવો ભેખ..
મારા સાયાંજીને કેજો રે, આટલી મારી વિનતી રે
જાળીડાં મેલાવો રે, ગુરુ ગમ જ્ઞાનનાં રે,
ઇ જાળીડાં જરણા માંહેલા છે રે જાપ.
મારા સાયાજીને કેજો રે, આટલી મારી વિનતી રે
ભીમ ગુરુ શરણે રે, દાસી જીવણ બોલીયા રે જી,
દેજો અમને તમારા રે ચરણોમાં વાસ. .
મારા સાયાજીને કે’જો રે, આટલી મારી વિનતી રે.