141 જાડેજા હાલોને જાઈ ગુરુજીના દેશમાં


જાડેજા હાલોને જાઈ રે ગુરુજીના દેશમાં રે
પરદેશી હાર્યે ના હોય પ્રીત જાડેજા
દેશી મળે રે આપણા દેશના રે
હૃદયે હોય રે હુલ્લાસ જાડેજા
હાલોને….

જાડેજા રે , સંતોના દેશમાં હીરાના હારડા રે
વસ્તુ ભરી છે અપરંપાર જાડેજા
સુગરા હશે તે વસ્તુ વ્હોરશે રે
નુગરા જાય રે નિરાશ રે નિરાશ જાડેજા
હાલોને….

જાડેજા રે સંતના દેશમાં માનસરોવરા રે
હંસલા બેઠા રે એને તીર જાડેજા
મોતીડા ચો રે સવા લાખના રે
અને બગલા રે જોને ઉડી જાય જાડેજા
હાલોને….

જાડેજા રે સંતના દેશમાં અમૃત સરોવરો
જેને પીધેથી પ્યાસ બુઝાય જાડેજા
સુગરા હશે તે પીએ પ્રેમથી રે
નગરા તરસ્યા જાય જાડેજ
હાલોને….

જાડેજા રે હાલોને જાઈ રે ગુરુજીના આંગણે રે
અને શરણાગત થઈ પડિયે પાય જાડેજા
હાથ રે મુકે ને કાયા હેમની રે
તોરલ કે ભવના ફેરા મટી જાય જાડેજા
હાલોને….


Leave a Reply

Your email address will not be published.