21 એવાં હેત રાખો તમે રામસે


એવાં હેત રાખો તમે રામસે
જેવા રાખે ચંદ્ર ને ચકોર
રાખે બાપૈયા ને મોર ,
એવાં હેત

હેત રે વખાણિયે કુંજડિયું કેરા
બચલાં મેલીને ઈ જાય
આઠ આઠ મહિને આવીને ઓળખે,
એનાં નામ હેત રે કહેવાય ,
એવાં હેત

હેત રે વખાણિયે વિંછણ કેરા
બચલાંને સોપે રે શરીર ,
આપ મરેને પરને ઓદરે,
પણ તોય રાખે ધારણ ધીર,
એવાં હેત

હેત રે વખાણિયે પનિહારી કેરાં,
પાણીડાં ભરવાને ઈ જાય,
હસે રે બોલે ને તાળી લિયે,
પણ સુરતા છે બેડલિયાંની માંય ,
એવાં હેત

રંગબેરંગી ભમરલો,
ઉડીને આકાશે જાય,
અનુભવિયા રે એને ઓળખે,
ગુણ દાસી જીવણ ગાય,
એવાં હેત


Leave a Reply

Your email address will not be published.