સમય મારો સાધજે વ્હાલા,
કરું હું તો કાલાવાલા.
અંત સમય મારો આવશે જ્યારે,
નહી રહે દેહનું ભાન
એ રે સમય મુખે તુલસી દેજે,
દેજે જમુના પાન
સમય મારો…
જીભલડી મારી પરવશ થાશે,
ને હારી બેસું હું હામ
એ રે સમય મારી વ્હારે ચઢીને
રાખજે તારૂં નામ
સમય મારો…
કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે,
તુટશે જીવનદોર
એ રે સમય મારા અલબેલાજી,
કરજે બંસરી શોર
સમય મારો…
આંખલડી મારી પાવન કરજે,
ને દેજે એક લ્હાણ
શ્યામસુંદર તારી ઝાંખી કરીને,
‘પુનિત’ છોડે પ્રાણ
સમય મારો…