31 હારને કાજે નવ મારીએ


હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚
હઠીલા હરજી અમને‚
માર્યા રે પછી રે મારા નાથજી‚
બહુ દોષ ચડશે તમને…
એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚
હાર તમે લાવોને વ્હેલા‚
માંડલિક રાજા અમને મારશે‚
દિવસ ઊગતાં પહેલાં…
એવા હારને કાજે નવ મારીએ…

નથી રે જોતો હીરાનો હારલો‚
વેગે તમે ફૂલડાંનો લાવો‚
દયા રે કરીને દામોદરા‚
દાસને બંધનથી છોડાવો…
એવા હારને કાજે નવ મારીએ…

કાં તો રે માંડલિકે તું ને લલચાવિયો‚
કાં તો ચડિયલ રોષો‚
કાં તો રે રાધાજીએ તું ને ભોળવ્યો‚
કાં તો મારા કરમનો રે દોષો…
એવા હારને કાજે નવ મારીએ…

દાસ રે પોતાનો દુઃખી જોઈને‚
ગરૂડે ચડજો ગિરધારી‚
હાર રે હાથોહાથ આપજો રે‚
મ્હેતા નરસૈંના સ્વામી…
એવા હારને કાજે નવ મારીએ…


Leave a Reply

Your email address will not be published.