મારા સપનામાં શ્યામ સુંદીર આવતા રે લોલ,
આવીને ઉભા મારા ઓરડે રે લોલ…
મેં તો અંતર ઉમળકે વધાવિયાં રે લોલ,
ઉતારા દીધા અંતર ઓરડે રે લોલ….
મેં તો જોયા જગદીશને જ્યારથી રે લોલ,
તન મનનું ભાન વિસારતી રે લોલ….
મેં તો સ્વાગત કર્યું છે એવા નેમથી રે લોલ,
રજની વીતાવશું પ્રેમ રે લોલ….
મેં તો દૂધના કટોરા ભરાવીયા રે લોલ,
કેસર કસ્તુરી ધોળાવીયા રે લોલ….
હું તો ઘેલી થઇ પ્રેમ પુરમાં રે લોલ….
આસન આપ્યું મારા ઉરનું રે લોલ….
મને આનંદ ઘણો શ્યામ આવતા રે લોલ,
ભોજન બનાવ્યા મન ભાવતા રે લોલ….
મેં તો જમવા બેસાર્યા મારા શ્યામને રે લોલ,
વિસારી બધા ઘરકામ ને રે લોલ….
મેં તો ભોજન કરીને કરી વાતડી રે લોલ,
શ્યામ સન્ગ વિતાવું આજ રાતડી રે લોલ….
મારે વ્હાલે સમજાવી મને સાનમાં રે લોલ,
સમજીને દોડી હું બેભાન માં રે લોલ….
મેં તો સોળે શણગાર સજ્યા અંગમાં રે લોલ….
મનડું નાચે છે એના સંગમાં રે લોલ….
આજ આનંદ વધ્યો છે મારા અંગમાં રે લોલ,
રજની વીતાવી શ્યામ સંગમાં રે લોલ….
મારુ સપનું ગયું ને આંખ ઉઘડી રે લોલ,
સંભારી શ્યામ રડી બે ઘડી રે લોલ….
મને નરશીના નાથ મળ્યા ભાવથી રે લોલ,
આનંદ થયો છે શ્યામ આવતા રે લોલ….