42 વનમા મોહનજી ગાયો ચારવા


વનમા મોહનજી ગાયો ચારવા ગ્યા તા,
રાધાજી રડતા દીઠા રે હો હો મોહનજી

શીદને રુઓ છો તમે રાણી રાધાજી,
જે રે જોઈએ તે માગી લ્યોને રે
હો હો મોહનજી…..

દેરાણી ને ટીલડી,જેઠાણી ને ટીલડી,
એવો અમને હારલો ઘડાવો રે
હો હો મોહનજી…..

ચોટિલા શેર થી સોનુ મંગાવો,
બગદાણા ધામ ના હીરા રે
હો હો મોહનજી…..

કયો સોની ઘડશે ને કયો સોની મઢશે,
કયો સોની હારલો પરોવશે રે
હો હો મોહનજી…..

રામજી ઘડશે ને લક્ષમ્ણ મઢશે,
પરષોત્તમ હારલો પરોવશે રે
હો હો મોહનજી…..

ક્યાં બેસી ઘડશે ને ક્યાં બેસી મઢશે,
ક્યાં બેસી હારલો પ્રોવશે રે
હો હો મોહનજી…..

ઘરમાં બેસી ઘડશે,ઓસરીએ મઢશે,
પડથારે બેસી પરોવશે રે
હો હો મોહનજી…..

હારલો પહેરીને રાધા જળ ભરવા ગ્યા તા,
સાસુજી એ મોં મચકોડ્યા રે
હો હો મોહનજી…..

શીદને સાસુજી તમે મોં મચકોડો ,
નથી મારા સસરા એ ઘડાવ્યો રે
હો હો મોહનજી…..

હારલો પહેરીને રાધા જળ ભરવા ગ્યા તા,
જેઠાણી એ મોં મચકોડ્યા રે
હો હો મોહનજી…..

શીદને જેઠાણી તમે મોં મચકોડો
નથી મારા જેઠજી એ ઘડાવ્યો રે
હો હો મોહનજી…..

હારલો પહેરીને રાધા જળ ભરવા ગ્યા તા,
હારલો જળમાં ડૂબ્યો રે
હો હો મોહનજી…

હારલો જડે તો મારી નણદી ને આપું,
સાસુજી ને સાડલો આપું રે
હો હો મોહનજી…..

કાળકા ને કડા માનું હનુમાનજી ને વડા માનું
પીર ને મણિદો માનું રે
હો હો મોહનજી…

મારા મૈયર ના તરીયા તેડાવું જો,
આખો સમુદ્ર ડહોળાવું રે
હો હો મોહનજી….

પહેલે પગથિયે જઈ પગ મેલ્યો,
હારલો જળમાં ઝબુક્યો રે
હો હો મોહનજી…..

કાળકા ને કડા શેના હનુમાનને વડા શેના,
પીરને મણીદો શેનો રે
હો હો મોહનજી…..

સાસુજી ને સાડલો શેનો, નણદી ને હારલો શેનો,
મારો હતો ને મને જડ્યો રે
હો હો મોહનજી…..


Leave a Reply

Your email address will not be published.