મિત્ર સુદામા ની ઝૂંપડી રે,
ઝૂંપડીએ પીપળા ના પાન મારા વ્હાલા.
સુદામાની પત્ની એમ બોલિયાં રે,
જાવ દુવારીકા મોજાર મારા વ્હાલા.
તાંદુલની બાંધી વ્હાલે પોટલી રે,
લાકડી લીધી હાથ મારા વ્હાલા.
પ્રથમ નાહ્યા સત્સંગ માં રે,
પછી નાહ્યા ગોમતી ઘાટ મારા વ્હાલા.
દરવાજે આવી ઉભા રહ્યા રે,
કિયા વસે ભગવાન મારા વ્હાલા.
દરવાને આંગળી ચીંધીયા રે,
આવી ભેટ્યા ભગવાન મારા વ્હાલા.
આપી આસન બેસાડિયા રે,
પછી પૂછ્યા સમાચાર મારા વ્હાલા.
ભગવાન એમજ બોલિયાં રે,
શું રે લાવ્યા પ્રસાદ મારા વ્હાલા.
તાંદુલની પોટલી આપિયું રે,
આરોગ્યા ભગવાન મારા વ્હાલા.
અષ્ટ પટરાણી દોડીયા રે,
રાખો અમારો ભાગ મારા વ્હાલા.
ત્યાંથી સુદામા ચાલીયા રે,
આવ્યા છે પોરબંદર માંહ્ય મારા વ્હાલા.
સુદામાજી આડું અવળું જોઈ રહ્યા રે,
પધારો મારે મોલ મારા વ્હાલા.
અહીંયા હતી મારી ઝૂંપડી રે,
કોણે બનાવ્યા રંગ મહેલ મારા વ્હાલા
સુદામાની ઝૂંપડી જે કોઈ ગાશે,
ગાશે તે વૈકુંઠ જાશે મારા વ્હાલા.