અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે,
પ્રીત કરી પરબ્રહ્મશું ભવમાં ન આવે રે
અનુભવી આનંદમાં
મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે,
પે’લું પરઠે મોત તે મુક્તાફળ પાવે રે
અનુભવી આનંદમાં
વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે,
તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે
અનુભવી આનંદમાં ꠶
બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે,
એવા જીવનમુક્ત જનના ગુણ વેદ વખાણે રે
અનુભવી આનંદમાં
કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે,
મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયાં રે
અનુભવી આનંદમાં ꠶