આજ બળેવ દિવસ ઓચ્છવનો,
નંદતણે ઘેર જાઈ રે,
નટવર છેલ છબીલાને નીરખી,
અંતર સુખિયા થાઈ રે…
ગર્ગાચારજ રાખી બાંધી,
પૂરણ બ્રહ્મને પૂંછે રે,
અમર સદા રહો અવિનાશી,
એમ બોલ્યા સુર ઉંચે રે…
પ્રેમ કરી પાથરના નાખ્યા,
બહું બહું વાના કીધા રે,
વસ્ત્ર આભૂષણ સહિત ગર્ગને
દાન ધેનુના દીધા રે…
રાજી અધિક થયા નંદરાણી,
ગોરાની શણગાર્યા રે,
બ્રહ્માનંદ કહે કહાન કુંવરના,
સર્વે વિઘન નિવાર્યા રે…