તમે મારા શ્યામ છો, વ્હાલા ગિરિધર ગોપાલ છો
રાણી રે રાધિકાનાં તમે મારા શ્યામ છો
હે વ્હાલા આવો છો ને, સદા મારું મન શાને મુંઝાવો છો;
હે તમે બોલો તો ખરા, દુ:ખી દિલ શાને દુભાવો છો;
મોરલી વગાડી શ્યામ, અમને રડાવો છો
રાણી રે રાધિકાનાં…
હે તમે હરણ્યાકંશ મારી અને પ્રહલાદ ઉગારો છો;
અને ગોકુળિયું છોડી મથુરા શાને પધારો છો;
દેવકીનાં જાયા વ્હાલા, તમે નંદલાલ છો
રાણી રે રાધિકાનાં…
હે તમે ગોવર્ધન તો’ળી, અને વ્હાલા ગોકુળ વસાવો છો;
હે વ્હાલા કાળીનાગ નાથી અને કાળા કાન કહાવો છો;
સોળસો ગોપીનાં વ્હાલા, તમે એક શ્યામ છો
રાણી રે રાધિકાનાં…
હે તમે ર્દુ રાક્ષસ હણવાને, વ્હાલા અહીં પધારો છો;
તમે કંઇક સેવકોનાં વ્હાલા, દુ:ખડાં ટાળો છો;
હે સીતારામ બાપાનાં, તમે સુંદર શ્યામ છો
રાણી રે રાધિકાનાં…
હે તમે ગોવિંદ ગોપાલ, રાજા રામ કહાવો છો;
સકલ પદારથમાં જુદા-જુદા નામ ધરાવો છો;
દાસ રે ‘જુગલ’નાં વ્હાલા, તમે સિરતાજ છો
રાણી રે રાધિકાનાં…