ધડ ધીંગાણે જેના માથા મસાણે
એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું
હોમ હવન કે જગન જાપ થી,
મારે નથી રે ધરાવું,
બેટડે બાપના મોઢાં ન ભાળ્યા
એવા કુમળા હાથે ખોડાવું
ઘડવૈયા મારે
પીળા પિતાંબર, જરકસી જામા એવા,
વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે
એવા સિંદૂરે ચોપડાઇ જાવું
ઘડવૈયા મારે
ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે,
નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના
ટીપા આંસુડાએ નાવું
ઘડવૈયા મારે
બીડ્યા મંદિરીયામાં બેસવું નથી
મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથે મારે,
ખાંભીયું થઇને ખોડાવું
ઘડવૈયા મારે
કપટી જગતના કૂડાકૂડ રાગથી,
ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં,
શૂરો પૂરો સરજાવું
ઘડવૈયા મારે
મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે,
ચિતારા નથી રે ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’
ઝાઝુ શું રંગાવું
ઘડવૈયા મારે